તેંડુલકરે આમ તો સૌપ્રથમ ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ પહેલા જ ભારતીય ક્રિકેટ બોર્ડને જણાવી દીધું છે કે તે તેની કારકિર્દી ટેસ્ટ અને વન ડેમાં કેન્દ્રીત કરવા માંગતો હોઇ ભારત તરફથી ટ્વેન્ટી-૨૦ નહીં રમે. આમ પણ ટ્વેન્ટી-૨૦ ક્રિકેટમાં ભારત પાસે યુવા અને તરવરાટભર્યા ખેલાડીઓ ઉપલબ્ધ હતા. તેઓનું ફોર્મ પણ સારૃ હતું તેથી તેંડુલકર જેવો સિનિયર ખેલાડી આ ફોરમેટમાં ના રમે અને તેની શક્તિ બિનજરૃરી ના વેડફે તે માટે ચાહકોને  અને ભારતીય ક્રિકેટ બોર્ડને પણ કોઇ વાંધો નહોતો.

જોકે બધાના આશ્ચર્ય વચ્ચે વ્યસ્ત ક્રિકેટની કે પછી કુટુંબ સાથે સમય નથી આપી શકતા તેવી ફરિયાદ કરતા તેંડુલકર, દ્રવિડ, લક્ષ્મણ, ગાંગુલી અને કુમ્બલે જેવા ટેસ્ટ મેચ, વન ડે સ્પેશ્યલ ખેલાડીઓ પણ આઈપીએલમાં કેપ્ટન કે ‘આઈકોન’ પ્લેયર તરીકેના કરોડો રૃપિયા મળતા જ ટ્વેન્ટી-૨૦ રમવા માંડયા.

આઈપીએલ દરમ્યાન જ વર્લ્ડકપ ટ્વેન્ટી-૨૦ માટેની ટીમની જાહેરાત થઇ હોઇ ખરેખર તો તેંડુલકરે સામે ચાલીને પસંદગીકારોને કહેવું જોઇએ કે ૨૪ એપ્રિલે આઈપીએલ પુરી થાય છે પછી છ દિવસ પછી જ ૩૦ એપ્રિલે વર્લ્ડકપ ટ્વેન્ટી-૨૦ શરૃ થવાની હોઇ તે વર્તમાન ફોર્મ જોતા ભારત તરફથી રમવા તૈયાર છે. પણ તેંડુલકર જે આઈપીએલના અતિ વ્યસ્ત અને પ્રવાસથી થાકી જવાય તેવા ક્રિકેટમાં દોઢ મહિના સુધી રમવા તૈયાર છે તે ૧૫ દિવસના વર્લ્ડકપમાં રમવાની ઈચ્છા નથી બતાવતો.

જો તેંડુલકર ભારતને ૫૦-૫૦ ઓવરોનો વર્લ્ડકપ અપાવવો છે તેવા સ્વપ્નનું કારણ આગળ ધરીને ફોર્મમાં નહોતો ત્યારથી ૨૦૧૧ સુધીનું બુકિંગ કરાવીને બેઠો છે. ત્યારે વર્લ્ડકપ ટ્વેન્ટી-૨૦ રમીને ભારતને જીતાડવાની ખ્વાઈશ કેમ નથી જાહેર કરતો?

ભારત જો આઈપીએલ દ્વારા ટ્વેન્ટી-૨૦ ક્રિકેટનું હેડ ક્વાર્ટર મનાતું હોય તો ભારતે વર્લ્ડકપમાં ચેમ્પિયન બનવું જ રહ્યું. ભારત તેની શ્રેષ્ઠ ટીમ ઉતારે તે જવાબદારી ક્રિકેટ બોર્ડ અને પસંદગી સમિતિની હોવી જોઇએ. જ્યારે પ્રત્યેક ખેલાડીની એવી ખ્વાઈશ અને ગૌરવ હોવું જોઇએ કે તે દેશ માટે રમે.

(Source :  Gujarat Samachar newspaper)

Advertisements