૧૨માં ધોરણના આખા વર્ષની મહેનતના અંતે ૮૯% લાવીને પહેલેથી વિચારી રાખેલ કોમ્પુટર શાખામાં પ્રવેશ લીધો. મેં ૧૯૯૮માં જયારે ૧૨મુ ધોરણ પાસ કર્યું ત્યારે ટકાવારી ઘણી ઉચી હતી એટલે મને મારા શહેર વડોદરામાં પ્રવેશ ના મળ્યો અને મારે વઢવાણ સીટી (ખાલી નામ ની પાછળ સીટી છે બાકી ગામડું છે!) ખાતે આવેલ સી.યુ.શાહ કોલેજમાં પ્રવેશ લેવો પડ્યો.

આ ગામ સૌરાષ્ટ્રમાં આવેલ છે અને મારા પિતરાઈ બહેન ત્યાં રહેતી હોવાથી મને આ ગામમાં વાંધો નહિ આવે એવું મારા વડીલોનુ માનવું હતું. જયારે પ્રવેશ લીધો ત્યારે મને ખબર હતી કે આ કોલેજ માત્ર ૧ (એક) વર્ષ પહેલા ચાલુ થઈ છે પરંતુ જયારે અમે કોલેજ જોવા માટે પહોચ્યા ત્યારે અમને ખબર પડી કે આ કોલેજની પોતાની ઈમારત નથી અને અત્યારે કોલેજ એક શાળાની ઈમારતમાં ચાલી રહી હતી. (કોલેજની ઈમારતનું કામ અમદાવાદ હાઈ-વે પર ચાલી રહ્યું હતું.)

અમે ત્યાં પહેલા જૈન ભોજનાલયની તપાસ કરી કારણ કે ત્યાં જૈન માટે રહેવા-જમવાની વ્યવસ્થા હતી અને ત્યાં મને મારા કોલેજના પહેલા મિત્રો મળ્યા કારણ કે એ લોકો પણ જૈન હતા અને જૈન ભોજનાલયમાં રહેવાની સગવડતા હોવાથી ત્યાં રહેવા આવ્યા હતા.મને આજે પણ યાદ છે એ દિવસ જયારે મને મારા વડીલો વઢવાણ મુકવા માટે આવ્યા હતા કારણકે આ પહેલો મોકો હતો જયારે હું ઘર ની બહાર એકલો રહેવાનો હતો અને મારી માતાજી (મમ્મી) બહુ જ ચિંતામાં હતી કે હું કેવી રીતે રહીશ અને હું મારી જાતે બધું સંભાળી શકીશ કે નહિ. મને છોડીને જતી વખતે મમ્મી ચોધાર આંસુ રડતા હતા અને મારા પિત્રાઈ ભાઈ હજુ યાદ કરે છે કે તે વખતે કાકી (મારા મમ્મી)ની  હાલત એવી હતી જાણે એ પોતે છોકરી ને વિદાય કરી રહ્યા હોય. મમ્મીને ખબર હતી કે હું માત્ર ૫ કલાક દૂર રહું છું અને જયારે મન થશે ત્યારે ઘરે આટો મારી શકીશ તે છતાં એક બેચેની હતી કે અહિયાં આ નવા ગામમાં કેવી સગવડ મળશે, મને ગમશે કે નહિ.. અને એવું તો કેટલું બધું વિચારી લીધું હશે એમને તે વખતે.

મારો પહેલો દિવસ કોલેજમાં સારો રહ્યો. ત્યાં મને એ છોકરો મળ્યો જે મારા જ શહેરનો હતો અને એને ખબર હતી કે હું કૌન છું અને ક્યાંથી આવું છું, એટલે એને મારી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ ખબર નહિ મારી હાલત શું હતી કે હું એની સાથે વાત જ ના કરી શક્યો (જોકે અત્યારે પણ એ મારો શ્રેષ્ઠ મિત્ર છે). જેમ તેમ દિવસ પૂરો કરી ને હું તો પાછો આવી ગયો મારા રહેવાના સ્થળે અને થોડો ગુમસુમ પણ હતો પણ પછીથી ત્યાં રહેવા આવેલ બધા લોકો સાથે પરિચય થયો અને થોડું સારું લાગ્યું. અને એક નવું જોમ મળ્યું કે આ લોકો પણ છે જે ઘરેથી પહેલી વાર બહાર નીકળ્યા છે અને હવે બધા સાથે જ રહીએ છીએ તો સુખદુખમાં એક બીજાને મદદ કરીશું અને આ પરીસ્તીથીનો સામનો કરીશું. બસ આ વિચાર સાથે મેં ઘરે ફોન કર્યો અને કીધું તમે મારી ચિંતા ના કરશો, હું અહી મજામાં છું અને મારી રીતે અહી બધું સંભાળી લઈશ.

કોલેજના પહેલા વર્ષની જાણકારી માટે મારા હવે પછીના બ્લોગની રાહ જોવો. 😉

Advertisements