પહેલું વર્ષ હસતા હસતા ક્યાં પસાર થઈ ગયું એ ખબર જ ના પડી અને પછી આવ્યું બીજું વર્ષ, જ્યાં પહેલા વર્ષનું પરિણામ (૬૯%) જાણ્યા પછી પ્રોફેસર અને ઘરના લોકોની અપેક્ષાઓ વધી ગયી હતી અને મારે હવે મહેનત કરીને તે અપેક્ષા પ્રમાણેનું પરિણામ લાવવાનું હતું અને સાચું કહું તો મને પણ કોલેજમાં મિત્રો વચ્ચેની વધારે સારું પરિણામ લાવવાની જે હોડ હતી તે ગમતી જેનાથી અમને બધાને જોશ મળતો અને વધારે સારી મહેનત કરી શકતા.

એન્જિનિરીંગ કોલેજની જો સૌથી ખરાબ કોઈ વસ્તુ હોય તો એ છે એકી સંખ્યાવાળા(૧,૩,૫,૭) સેમેસ્ટરની પરીક્ષા દિવાળીની રજાઓ પછી તરત અને બેકી સંખ્યાવાળા(૨,૪,૬,૮) સેમેસ્ટરની પરીક્ષા હોય ઉનાળાની રજાઓ પછી તરત, એટલે દરેક એન્જીનીર વિદ્યાર્થીઓ એ આ બંને રજાઓમાં જયારે બધા આરામથી ફરતા હોય ત્યારે વાચવા બેસવું પડે.

હવે જોગાનુજોગ ત્રીજા સેમેસ્ટરની પરીક્ષા પહેલા (દિવાળીની રજાઓમાં) મારા અને પલકના ઘરવાળાઓ નક્કી કરે છે કે ચાલો શમેતશીખરની જાત્રા(જૈનો માટે મોટામાં મોટી જાત્રા) કરી આવીએ એટલે મેં અને પલકે પણ કોઈ આનાકાની વગર સંમતિ આપી અને અમે ૧૦ દિવસ અત્યાર સુધીની મારી સર્વશ્રેષ્ઠ  જાત્રા કરીને આવ્યા. ત્યાંથી આવ્યા પછી થોડાક જ સમયમાં અમારી પરીક્ષા હતી એટલે કદાચ ઘરના લોકોએ વિચારી રાખ્યું હશે કે આ સેમેસ્ટરમાં કદાચ ઓછા ટકા આવશે તો વાંધો નહિ પરંતુ એમને ક્યાં ખબર હતી કે જ્યારથી મને ખબર પડી હતી કે અમારે જાત્રા કરવા જવાનું છે ત્યારથી જ મેં મહેનત વધારી દીધી હતી અને પછી જયારે ત્રીજા સેમેસ્ટરનું પરિણામ આવ્યું ત્યારે બધા છક્ક થઈ ગયા કારણ કે મેં મારી શાખામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. (આમાં ભગવાનના આશીર્વાદે પણ મોટો ભાગ ભજવ્યો હતો એવું મારું માનવું છે).

આ પરિણામની જાહેરાત પછી તો હું આખી કોલેજમાં પ્રસિદ્ધ થઈ ગયો, કારણકે કોઈએ વિચાર્યું પણ નહતું કે હું આવું કરી કરીશ (એનું કારણ મેં આગળના બ્લોગમાં જણાવેલ તેમ મારું ગુજરાતી મીડીયમનું ભણતર) અને આ પરિણામથી મારી ગણતરી કોલેજના શ્રેષ્ઠ વિદ્યાર્થીમાં થવા માંડી. અરે, હું તમને એક વાત કહેવાની જ ભૂલી ગયો કે જયારે મેં પ્રથમ સ્થાન મેળવ્યું ત્યારે મારી પછી (એટલે કે બીજા સ્થાને) બીજું કોઈ નહિ પણ મારો પરમ મિત્ર સમીર હતો. પછી તો અમારી ટોળીએ એકદમ ગર્વથી કોલેજનો અભ્યાસ આગળ વધાર્યો.

બસ હવે થાકી ગયો છું એટલે અત્યારે અહી જ પૂરું કરીએ. આગળની વાત હવે પછીના બ્લોગમાં🙂