આગળ ના બ્લોગ માં જણાવ્યા અનુસાર ચોથું સેમેસ્ટર અમે એકદમ શાનથી ચાલુ કર્યું. સાચું કહું તો હવે ઘણો દબાવ હતો કે મારે મારી ટકાવારી અને ટોપ પાંચમાં મારો નંબર જાળવવાનો હતો. અને જેમ જેમ ભણવાનું આગળ વધતું હતું તેમ તેમ વિદ્યાર્થીઓ પણ વધારે મહેનત કરતા હતા.


આ સેમેસ્ટરમાં હું ઘણા ત્યાના લોકલ વિદ્યાર્થીના સંપર્કમાં આવ્યો જેમકે વીરેન્દ્ર, સુજલ, રમેશ, કશ્યપ (જેને ડીપ્લોમાંમાંથી ડિગ્રીમાં પ્રવેશ લીધો હતો). પછી તો અમે બધા ભેગા મળીને બહુ ધમાલ કરતા. જે શનિ-રવિ અમે વઢવાણમાં હોઈએ એ વખતે ક્યાંક ભેગા થવાનું અને રમતો રમવાની અથવાતો મુવી(સિનેમા) જોવા જવાનો પ્રોગ્રામ નક્કી રહેતો અને બીજા બધા મિત્રો પેઈંગ ગેસ્ટ તરીકે રહેતા અને રવિવારે સાંજે બધાને જમવાનું બંધ રહેતું હોવાથી અમને એક સરસ મોકો મળી જતો બહાર સાથે જમવા જવાનો(અમે તો પહેલે થી છેલ્લે સુધી જૈન ભોજનાલયમાં જ જમ્યા હતા અને ત્યાં પણ રવિવારે સાંજે જમવાનું બંધ હતું).

અમે જે રૂમમાં રહેતા હતા તે કાકા પોતે વકીલ હતા અને અમારી રૂમની બાજુમાં એક ફોટોગ્રાફર રહેતા અને સામે એ જીલ્લાના એમએલએ એટલે અમને શાંતિ હતી. મને હજુ પણ યાદ છે બધા મિત્રો અમારા રૂમ પર ભેગા થતા અને સાથે અંતાક્ષરી, પત્તા અને એવી રમતો રમતા, પછી તો આખા એરિયામાં ખબર હતી કે આ રૂમમાં કોલેજના વિદ્યાર્થીઓ રહે છે અને તેઓ પોતાની મસ્તીમાં જ મસ્ત રહે છે અને એમની બીજી કોઈ ખટપટ નથી.

અત્યારે અહી જ પૂરું કરીએ, આગળની વાત આવતા બ્લોગમાં 🙂

Advertisements