અષાઢ સુદ ૧૪ (જે આ રવિવારે આવે છે), હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના નવમા મહિનાનો ચૌદમો દિવસ છે, આ દિવસ જૈનોમાં ચોમાસી ચૌદશ તરીકે ઉજવાય છે (આ દિવસથી ચોમાસાની શરૂઆત થઈ એવું મનાય છે)

જૈન સાધુ/સાધ્વી આ દિવસ પછી વિહાર કરવાનું બંધ કરીને એક જગ્યાએ સ્થાયી થઈ જાય છે (આની પાછળનું કારણ એ છે કે ચોમાસામાં બધે પાણી ભરાય અને તેમાં ઘણા જીવ-જંતુ હોય અને એની પર ચાલવાથી તેમના પર હિંસા થઈ ગણાય). હું આ લખું છું ત્યારે મોટાભાગના સંઘોએ સાધુ/સાધ્વીનું સામૈયું વાજતે-ગાજતે કરી લીધું હશે અને બધા ગુરુ ભગવંતો હવે સ્થાયી થઈ ગયા હશે.

આ દિવસ પછી ગુરુ ભગવંતોની નીશ્રામાં ઘણા જૈનો (જેને હમેશા માટે કંદ-મૂળની ત્યાગ નથી કર્યો એવા) કંદ-મૂળનો ત્યાગ કરીને ધર્મ અનુરાગી બની જતા હોય છે. મોટા ભાગે દરેક નાના-મોટા શહેરમાં આ દિવસ પછી જુદા જુદા તપની વાતો સંભાળવા લાગે છે. સાથે સાથે રોજ રોજ ગુરુના વ્યાખ્યાન સાંભળવા અને ભક્તિમાં લીન થવાની મોસમ ચાલુ થઈ જાય છે.

આ વર્ષે હું પણ એક નિર્ણય કરવા માંગું છું કે આ વર્ષે હું પણ ચોમાસાના ચાર મહિના કંદ-મૂળનો ત્યાગ કરીશ.

Advertisements