હે સખી એ અહીં આવે તો એને શું કહું,
એને કહેજે કે હતી એ બેકસૂર,
લઇ ગયુ દુર્ભાગ્ય એને દૂર દૂર,
લોક આવ્યા હાથ પકડી લઇ ગયા,
હેમથી નખ-શિખ જકડી લઇ ગયા,
એક વાચા-હીન પ્રાણી સમ ઉદાસ,
કેટલી મજબૂર કેવી નાસી-પાસ,
ચૂંદડી એનુ કફન સરજી ગઈ,
એના યૌવનની ચિતા સળગી ગઈ,

હે સખી એ કદી પૂછે હતી શા હાલમાં,
સાફ કહી દેજે કે માઠા હાલમાં,
જાણે મૃગલી પારધીની જાળમાં,
આંખમાં અશ્રુ ગળે ડૂબેલ શ્વાસ,
ધૈર્ય જાણે કરવતોનો મુખ-ત્રાસ,
અંગે-અંગે દાવનળ લાગ્યો હતો,
રોમે-રોમે એક પ્રલય જાગ્યો હતો,
છાનુ-છાનુ એ રુદન કરતી ગઈ,
આખે રસ્તે તારો ગમ ભરતી ગઈ,

હે સખી તારુ ઠેકાણું કદી પૂછે મને,
એને કહેજે એ અભાગી પ્રેમી જન,
કોનુ ઠેકાણું અને કોનુ મિલન,
ઘેલી ઘેલી વાતના દિવસ ગયા,
ભીની ભીની રાતના દિવસ ગયા,

હે સખી તે છતા એ હઠ કરે તો શું કહું,
તો પછી કહે જે કે ઘેલા માનવી,
દૂર જ્યા દિગંતની રેખા નથી,
જ્યા ગગન ચૂમે છે ધરતીનું બદન,
થાય છે જ્યા અંત-આદિનું મિલન,
જ્યા નથી ઇન્સાનનાં દુઃખ દર્દ ગમ,
જ્યા નથી નિર્દોષ પર જૂલમો-સિતમ,
દૂર આ પાપી જગતથી દૂર-દૂર,
તારી ઉર્મિ જા તને મળશે જરૂર
તારી ઉર્મિ જા તને મળશે જરૂર

લેખક:અજ્ઞાત (કોઈને જાણ હોય તો જણાવવા વિંનતી)

Advertisements