આજથી લગભગ છ મહિના પહેલા જયારે મેં આ બ્લોગ લખવાની શરૂઆત કરી ત્યારે મને ખબર નહોતી કે આ બ્લોગ માટે હું કેટલો સમય ફાળવી શકીશ… બસ માત્ર મિત્રોના બ્લોગ જોઇને મને થયું લાવો હું પણ પ્રયત્ન કરી જોવું… જેટલો ફ્રી સમય મળશે તેનો સદુપયોગ થશે અને એ બહાને ગુજરાતીમાં નવું નવું વાંચવાની અને લખવાની તક મળશે.

મારા માનવા મુજબ બ્લોગ એટલે જે મનમાં આવે તે પોસ્ટમાં ઉતારવાનું અને ઘણીવાર જો કોઈ સારો લેખ વાંચવામાં આવે તો બીજા લોકો સુધી પહોચાડવાનું કામ (હા ભાઈ હા, લેખકનું નામ અને શક્ય હોય તો લીન્ક જરૂર મુકવી જોઈએ… કોપી-પેસ્ટની વાત નથી કરતો! ;-))

જે રીતે મારા પહેલા થોડા લેખને સારા પ્રતિભાવ(ટીપ્પણી) મળ્યા અને લોકોને તે પસંદ આવ્યા એટલે આ બ્લોગ લખવાનો સિલસિલો ચાલુ થઈ ગયો.. સાચું કહું તો હું બ્લોગનો બંધાણી[જેની લત લાગી જાય અને જેના વગર ના ચાલે] થઈ ગયો.

આજે ૧૦૦મી પોસ્ટ વખતે મારા જુના લેખો કે જે લોકોને ખુબ પસંદ આવ્યા હતા તેની વિષે વાત કરીએ..
૧) સૌપ્રથમ તો મારા કોલેજ સંસ્મરણોની શ્રેણી
૨) મારા ગુજરાતી એસએમએસની શ્રેણી
૩) જૈન ધર્મને લગતી પોસ્ટ્સ
૪) મને ગમેલી કવિતાઓ

આજકાલ બ્લોગ પણ એક સ્પર્ધા હોય તેવું વાતાવરણ છે બધાને પોતાનો બ્લોગ નં.૧ બનાવવો છે અને તેની માટે જોઈએ ઘણા બધા મુલાકાતીઓ અને જરૂરી છે કે તમારું લખાણ એમને પસંદ આવે કે જેથી તેઓ ફરી ફરી તમારા બ્લોગ પર આવે. આમ તો હું આ સ્પર્ધામાં વિશ્વાસ નથી કરતો પણ હમણાં થોડા દિવસ પહેલા જ મારી એક પોસ્ટ “સુંદર એસએમએસ” નં.૧ તરીકે આવી હતી ત્યારે થોડી વાર માટે એવું લાગ્યું કે મારી બધી પોસ્ટ નં.૧ બને તો કેવી મજા આવે (જોકે થોડીક જ વારમાં હું પાછો જમીન પર આવી ગયો હતો અને મનને સમજાવ્યું હતું કે ‘દિલ્હી બહુ દુર છે’).

આજે ૧૦૦મી પોસ્ટના સમયે હું મારા દરેક મુલાકાતી (જેમને ટીપ્પણી કરી હોય કે ના કરી હોય) તે દરેકનો હૃદયપૂર્વક આભાર માનું છું. માત્ર જાણકારી માટે જણાવું છું કે આ છ મહિનાના ગાળામાં મારા બ્લોગની લગભગ ૮૩૦૦થી વધારે લોકોએ મુલાકાત લીધી (હવે આમાં કેટલા ભૂલથી આવી ગયા હતા અને કેટલા આવીને તરત જતા રહ્યા હતા એવી માહિતી નથી પણ તે છતાં આ આંકડો મારી ધારણા કરતા ઘણો મોટો છે) અને ૨૯૩ ટીપ્પણી(કોમેન્ટ) મળી ( જેમાં મારી પોતાની જ ૨૦-૩૦ તો હશે 🙂 ).

બે આંકડામાંથી ત્રણ આંકડામાં પોસ્ટની સંખ્યાને જતા જોઇને જે અનેરી લાગણી થાય તે મારા મોટાભાગના બ્લોગ-મિત્રોએ માણી લીધી છે એટલે તમે બધા બરાબર સમજી શકશો કે આ લેખ લખતી વખતે મારા મનમાં કેટલી ખુશી હશે.. (અત્યારે હું ખરેખર અનુભવી શકું છું કે જયારે ક્રિકેટમાં ખેલાડી ૯૯ ઉપર હોય અને ૧ રન લઈને ૧૦૦ રન પુરા કરે ત્યારે તેને કેવી ખુશી થાય :D)

ચાલો હવે આ લેખ અહી જ પૂર્ણ કરીએ… હોંશમાંને હોંશમાં ઘણું બધું લખી નાખ્યું… ખરું ને??