જે લોકોને ગુજરાતીમાં ટાઇપ કરવામાં ભૂલો પડતી હોય અથવા તો જેનું ગુજરાતી વ્યાકરણ થોડું કાચું હોય (મારી જેમ!) તે લોકો માટે એક “સરસ” સોફ્ટવેર લેક્ષિકોન સાઈટ પર મળી આવ્યું. (સોફ્ટવેરનું નામ સરસ સ્પેલ ચેકર છે)

મેં તરત જ આ સોફ્ટવેર ડાઉનલોડ કર્યું અને વાપર્યું તો ખબર પડી કે ગુજરાતીમાં ઘણી નાની ભૂલો જે આપની નજર બહાર જતી રહેતી હોય છે તે પણ આ સોફ્ટવેર પકડી પડે છે અને (વર્ડ સોફ્ટવેરમાં આપણને જેવી રીતે ઈંગ્લીશ ભાષાની ભૂલોને સુધારવા માટે વિકલ્પ મળે છે તેવી જ રીતે ) ગુજરાતી શબ્દોની ભૂલો સુધારવા ગુજરાતીમાં ઘણા વિકલ્પ બતાવે છે.

કોઈ પણ લેખ પ્રસિદ્ધ કરતા પહેલા એક વાર આખા લેખને આ સોફ્ટવેરમાં કોપી-પેસ્ટ કરીને F7 બટન (જે ટૂલ્સ-> સ્પેલ ચેક સ્ટોરી વિકલ્પ માટેની સરળ રીત છે) દબાવો અને આ સોફ્ટવેર તમને એક પછી એક તમારી ભૂલો બતાવશે સાથે સાથે તમને સાચા હોઈ શકે તેવા વિકલ્પ પણ બતાવશે, જેમાંથી તમે સાચો વિકલ્પ પસંદ કરીને તમારો લેખ ગુજરાતી વ્યાકરણની ભૂલો વગરનો બનાવી શકો છો.

નોંધ: આ સોફ્ટવેર ઘણા બધા વિકલ્પો દર્શાવતું હોવાથી અને તે શબ્દની નજીકના જ નહિ બીજા વધારાના પણ વિકલ્પ દર્શાવતું હોવાથી ઘણી વાર તમારે સાચો વિકલ્પ પસંદ કરવા થોડી મહેનત કરવી પડી શકે.

આશા છે કે, આ માહિતી તમને મદદરૂપ થશે.

Advertisements