પટ્ટી લઈને માપું ત્યારે ટપકું પણ હું, ચક્કર હું,
આમ જુઓ તો કેવળ ટીપું,
આમ જુઓ તો સાગર હું.

મારી હાલતનું જો વર્ણન એક લીટીમાં કરવું હો તો,
આખેઆખી દુનિયા મારી અને છતાંયે બેઘર હું !

ક્યાં હોડી, ક્યાં હાથહલેસું,
ક્યાં ભરતી ને ઓટ ભલા,
ડૂબી જઈને તરી જવાનો સાતેસાત સમંદર હું.

લોક જુએ છે બંધ પડેલી ધકધકતી છાતી મારી,
પીઠ ઉપર ભોંકાઈ પડેલું કેમ બતાવું ખંજર હું !

ઈમારતોની સદા પ્રશંસા થતી રહી, થાતી રહેશે,
નરી આંખથી નથી કળાતો પાયામાંનો પથ્થર હું.

જીવતરની બાબતમાં મિત્રો મોડે મોડે સમજાયું,
પાયાની વાતો મૂકીને કરી ગયો વિષયાંતર હું !

શબદ સાધના કરતાં કરતાં, જમા થયું એ ઓછું છે,
મારી સાથે અઢળક મૂડી લઈ જવાનો “દિલહર” હું.

Advertisements