શ્વાસથી છે સગાઇ જીવું છું,
આમ તો ખોટ ખાઇ જીવું છું.

મેદનીથી કપાઇ જીવું છું,
મારી ભીતર લપાઇ જીવું છું.

હું ગુનેગાર તો નથી તો પણ,
પંડથી પણ છુપાઇ જીવું છું.

શ્વાસની તો નથી ગતાગમ પણ,
વાંસળીમાં પુરાઇ જીવું છું.

સ્પર્શ કરશો તો માત્ર ખાલીપો,
હું તો સ્મરણે સમાઇ જીવું છું.

આ ગઝલ મારી છે હયાતી પણ,
તારે હાથે લખાઇ જીવું છું

લેખક/રચયિતા: ભગવતીકુમાર શર્મા

Advertisements