હમણાં ગયા અઠવાડિયે ફરીથી એક એવા સમાચાર વાંચવામાં આવ્યા કે વાંચીને અજુગતું લાગે. સમાચાર હતા “બીગ બોસમાં પાકિસ્તાની પ્રતિસ્પર્ધીઓના કારણે તે શો બંધ કરવા માટે મનસે-શિવસેનાએ તેના સામે વિરોધ કર્યો

હવે મને એ સમજ નથી પડતી કે કોઈ પાકિસ્તાની પ્રતિસ્પર્ધીને લેવાથી મનસે -શિવસેનાને શું વાંધો આવે? અને જો તેમને ખરેખર દરેક પાકિસ્તાની સામે વાંધો છે તો પછી હમણાં જ સ્ટાર પ્લસ પર પૂરો થયેલ કાર્યક્રમ “અમુલ છોટે ઉસ્તાદ – દો દીલોકી એક આવાઝ”માં તો અડધા પ્રતિસ્પર્ધી પાકિસ્તાનના છે પણ એની સામે કેમ કોઈ વિરોધ ના દર્શાવ્યો? અત્યારે ચાલી રહેલા ઝી ટીવીના કાર્યક્રમ “સારેગામાંપા સિંગિંગ સુપરસ્ટાર”માં પણ પાકિસ્તાની પ્રતિસ્પર્ધીઓ છે પણ તેની સામે પણ વાંધો નથી.. કારણ જણાવી શકશો?

રાજકારણમાં રહેવું હોય તો ગમે તે રીતે સમાચારમાં આવતા રહેવું પડે એ વાત તો બધાને ખબર છે અને એની માટે રાજકારણીઓ ગમે તો બહાના શોધતા ફરતા હોય છે પણ આ સમાચારમાં આવવાની હોડમાં તમે દાદાગીરી પર ઉતરી જાવ અને પોતાનો કક્કો સાચો છે તેવું બતાવવા માટે આખ શહેરમાં દરેક કેબલવાળાને કહી દો કે કલર્સ ચેનલનું પ્રસારણ બંધ કરી દો એ કેવી રીત? અને પોતાની સર્વોપરિતા સાબિત કરવા માટે પાછા ચેનલ પાસે લેખિતમાં માફી મંગાવો છો અને તેના પછી જ ચેનલનું પ્રસારણ ચાલુ થવા દો છો. (આજના સ્પર્ધાના યુગમાં એવું પણ બની શકે કે કલર્સ ચેનલવાળાઓએ ખુદ આ શોની પ્રસિદ્ધિ માટે આ ગતકડું કરાવ્યું હોય)

થોડા સમય પહેલા જ જયારે એક ફોટો જોવામાં આવ્યો હતો જેમાં શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે પોતાના ઘરે પાકિસ્તાની ખેલાડી જાવેદ મિયાદાદને મળતા દર્શાવ્યા છે અને હવે તેમની પાર્ટી અમુક પાકિસ્તાની માણસોનો વિરોધ કરે છે. કેવો વિરોધાભાસ….

ભગવાન બધાને સદબુદ્ધિ આપે અને આ શહેરમાં શાંતિ જાળવી રાખે.

Advertisements