આ હાલરડું મારી વ્હાલસોયી ઢીંગલી માટે ( મને આ હાલરડાં વિષે માહિતી આપવા માટે રૂપેનભાઈનો આભાર)

કવિ – મુકેશ માલવણકર
સ્વર, સંગીત – મનહર ઉધાસ

દીકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર,
એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર.


દીકરી તારાં વ્હાલનો દરિયો જીવનભર છલકાય
પામતાં જીવન માતપિતાનું ધન્ય થઇ જાય,
એક જ સ્મિતમાં તારા ચમકે મોતીડાં હજાર… દીકરી મારી લાડકવાયી

ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળ,
રમતા થાકીને ભૂખ લાગે તો ખીર રાખું તૈયાર
રૂપમાં તારાં લાગે મને પરીનો અણસાર… દીકરી મારી લાડકવાયી

કાલી-ઘેલી વાણીથી ઘર ઘૂઘરો થઇને ગૂંજે
પાપા પગલી ચલાવતા બાપનું હૈયું ઝૂમે
દીકરી તું તો માતપિતાનો સાચે છે આધાર…. દીકરી મારી લાડકવાયી

હૈયાના ઝૂલે હેતની દોરી બાંધી તને ઝૂલાવું
હાલરડાંની રેશમી રજાઇ તને હું ઓઢાડું
પાવન પગલે તારા, મારો ઊજળો છે સંસાર…

દીકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર,
એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર.

 
સ્ત્રોત: વીણેલા મોતી
(મેં સૌપ્રથમ તો આ હાલરડું અભિષેક – કૃતાર્થભાઈનો બ્લોગ પર વાંચેલ પણ આજે એ હાલરડાંને મારા બ્લોગમાં ઉમેરતા પહેલા શોધખોળ કરતા ખબર પડી કે આ હાલરડું વીણેલા મોતી પર શ્રી મનહર ઉધાસની પરવાનગી સાથે મુકેલ છે)