આજે વિશ્વ માતૃભાષા દિવસ છે… અને આ ગીત/કવિતા તમારા સુધી પહોચાડવા માટે આનાથી વધારે સારો કોઈ દિવસ ના હોય શકે… આ કવિતા પોતાની માતૃભાષાને ભૂલી નહિ જવાની સલાહ આપે છે… આશા છે કે તમને પસંદ આવશે…

આ અમારો બચૂડો અંગ્રેજી ભણવા જાય
કહે કદી એ હાય… Hi.., કદી કહે ગુડબાય.. Bye
કોની આગળ જઈને કહીએ અંગ્રેજીની લ્હાય

પોએટ્રી તો પટ પટ બોલે, દાદી નો દેસી ક્હાન
સ્વાન કહે તું હંસને, દાદી સમજે શ્વાન
દ્હાડે દ્હાડે ત્રીજી પેઢી દૂર જતી દેખાય
કોની આગળ જઈને કહીએ અંગ્રેજીની લ્હાય

મેઘધનુષી ગુર્જરભાષા કેટલા એના રંગ
દાદીમાની કહેવત સુણી દુનિયા આખી દંગ
પણ અંગ્રેજીથી રંગી દીધું તેં તો આખું સ્કાય
કોની આગળ જઈને કહીએ અંગ્રેજીની લ્હાય

તુ અંગ્રેજી બોલે ત્યારે દાદાજી પણ ઝૂલે
કેમ કરી ચાલે રે બચૂડા ગુજરાતી જો ભૂલે
ભલે હોઠે English હૈયે ગુજરાતી સચવાય
કોની આગળ જઈને કહીએ અંગ્રેજીની લ્હાય

સ્ત્રોત: ટહુકો (આ લીન્ક પર તમે આ ગીત સાંભળી પણ શકશો)