આમ તો વિવેકભાઈને કોઈ ઓળખાણની જરૂર જ નથી કારણકે માત્ર તેમનું નામ જ કાફી છે… દરેક ગુજરાતી સાહિત્યરસિકે તેમની કવિતાઓ અને ગઝલો વાંચી જ હશે અને ગયા મહીને જ તેમના કાવ્યસંગ્રહ-“ગરમાળો”, ગઝલસંગ્રહ – “શબ્દો છે શ્વાસ મારા” અને ઓડિયો સીડી – “અડધી રમતથી”નું વિમોચન થયું હતું…

આજે વિવેકભાઈ ટેલરનો જન્મદિવસ છે, તો ચાલો આજના આ શુભદિવસે આપણે એમની જ એક રચના જે તેમને તેમની ધર્મપત્નીના જન્મદિવસ માટે લખી હતી તે માણીએ.

ધરા, ઘટા, હવા રહ્યાં ઝૂમી કે આજે તારી વર્ષગાંઠ છે,
સમગ્ર કાયનાત છે નવી કે આજે તારી વર્ષગાંઠ છે.

આ વાત વધતી જિંદગીની છે, નથી સમીપ સરતા મૃત્યુની;
ઉજવ આ આજને ફરી ફરી કે આજે તારી વર્ષગાંઠ છે.

તુષાર જે રીતે ગુલાબના અધર ચૂમે છે રોજ એ રીતે,
તને ચૂમી રહી છે જિંદગી કે આજે તારી વર્ષગાંઠ છે.

યુગોની પ્યાસ, જૂઠી આશ ને અધૂરી ઇચ્છા હો કે ઝંખના,
એ સઘળું આજે તો થશે ‘હતી’ કે આજે તારી વર્ષગાંઠ છે.

ભલે વરસમાં ફક્ત એકવાર આવતો હો આ દિવસ છતાં
એ આવશે સદી સદી સુધી કે આજે તારી વર્ષગાંઠ છે !

-વિવેક મનહર ટેલર

સ્ત્રોત: વીએમટેલર.કોમ