જૈનોમાં પાલિતાણાનું અનેરું મહત્વ રહેલું છે. શાશ્વત તીર્થ તરીકે જાણીતા એવા પાલિતાણાની યાત્રા ન કરી હોય તેવા કદાચ બહુ ઓછા જૈન જોવા મળશે. જૈન શાસ્ત્રો મુજબ મહા પવિત્ર શત્રુંજય મહાતીર્થની જાત્રા કરવામાં કહેવાયું છે કે, તીર્થ અને તેમાં પણ તીથૉધિરાજ શત્રુંજયના રસ્તાની ધૂળથી આત્મા ઉપરની કર્મરૂપી ધૂળ દૂર ફેંકાઈ જાય છે. આ મહાતીર્થમાં ભ્રમણ કરવાથી ભવમાં ભમવાનું મટી જાય છે.

શત્રુંજયની યાત્રામાં કૃષ્ણના પુત્ર સામ્બ અને પ્રદ્યુમ્ન સાડા આઠ કરોડ મુનિઓ સાથે ફાગણ સુદ ૧૩ના દિવસે મોક્ષે ગયા હતા. તેથી દર ફાગણ સુદ-૧૩ની યાત્રા કરવા માટે અત્રે દેશ-વિદેશમાંથી લાખો ભાવિકો ઊમટી પડે છે ત્યારે આપણે આ પાલિતાણા અને લોકોમાં ઢેબરા તેરસ તરીકે પણ જાણીતી એવી છ ગાઉની યાત્રાનો મહિમા જોઇએ.

જૈન શાસ્ત્રો અનુસાર આ તીર્થને પ્રાય: શાશ્વત તીર્થ માનવામાં આવે છે. આ તીર્થનો સદાય મહિમા અપાર રહ્યો છે. વર્તમાન ચોવીસીમાં ૨૩ તીર્થંકરોએ અહીં પદાર્પણ કરેલ છે. તેમાંય પ્રથમ જૈન તીથઁકર ભગવાન ઋષભદેવ અથવા આદિનાથ કે આદીશ્વર દાદાનાં પુનિત સંસ્મરણો આ તીર્થ સાથે સંકળાયેલા છે. તેમણે આ ભૂમિને પવિત્ર તીર્થભૂમિ બનાવી દીધી હતી. આદિનાથ ભગવાન અહીં નિયમિત પદાર્પણ કરતાં અને ડુંગર પરના રાયણના વૃક્ષ નીચે તપ-આરાધના કરતા.

તેઓ અત્રે પૂર્વ નવાણું વખત પધાર્યા હતા એટલે આજે પણ નવાણું યાત્રાનો અનેરો મહિમા છે. શત્રુંજય તીર્થ વિશ્વભરમાં કદાચ એકમાત્ર એવું તીર્થ છે કે જેમાં ડુંગર પર ૮૬૩ ઉપરાંત શિખરબંધી નાનાં-મોટાં દેરાસરો છે. જેમાં લગભગ ૧૭૦૦૦ ઉપરાંત પ્રતિમાઓ બિરાજમાન છે. ૬૦૩ મીટર ઊંચી શત્રુંજય પર્વતમાળા પર આવેલાં આ દેરાસરો મોટાભાગે આરસપહાણથી અને સફેદ પથ્થરોથી બંધાયેલા છે.

આ મંદિરોનું સ્થાપત્ય અને બેનમૂન કારીગરીના નમૂના સમાન ઉત્કૃષ્ટ કોટિનું શિલ્પ અને કોતરકામ હેરત પમાડે તેવું છે. આવા ચમત્કારિક, પવિત્ર શત્રુંજયની જાત્રા કરવા દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવે છે. તેમાં કાર્તિકી પૂર્ણિમા, જ્ઞાનપંચમી, ફાગણ સુદ તેરસ-૧૩ની છ ગાઉની જાત્રા લોકમુખે ઢેબરિયાં મેળા અગર તો ઢેબરિયાં તેરસ તરીકે પણ જાણીતી છે. શત્રુંજય પર કરોડો સાધુ-ભગવંતો મોક્ષ પામ્યા હોવાથી તેનો અણુએ અણુ અતિ પવિત્ર મનાય છે. જૈન માન્યતા અનુસાર ફાગણ સુદ-૧૩ના દિવસે શ્રીકૃષ્ણના પુત્ર સામ્બ અને પ્રદ્યુમ્ન સાડા અસંખ્ય સાધુ ભગવંતો સાથે આ પર્વતમાળામાં આવેલા ભાડવા ડુંગર પરથી મોક્ષ પામ્યા હતા.

આથી જૈનો હજારોની સંખ્યા આ દિવસે એક જ દિવસમાં અસંખ્ય લોકોને મુક્તિ અપાવનાર, પવિત્ર ભાડવા ડુંગરને હૈયા અનેરાં ઉલ્લાસ સાથે ભેટવા માટે ઊમટી પડે છે અને પોતાનાં કર્મોની નર્જિરા કરે છે. આ દિવસે અત્રે થતી ભક્તિનું અનેરું મહત્વ હોઈ સૌ કોઈ તેનો લાભ ઉઠાવવા તલપાપડ થઈ જાય છે.

શત્રુંજયની જાત્રાનો પ્રારંભ જય તળેટીથી થાય છે. એક જમાનામાં તે ‘મનમોહન પાગ’ તરીકે ઓળખાતું હતું. જાત્રાનો પ્રારંભ કરતાં પહેલાં તેઓ અત્રે તળેટીએ આવી પર્વતાધિરાજની સ્પર્શના કરીને શત્રુંજયને ભેટવાનો લહાવો લે છે. અત્રે તળેટીમાં નવ્વાણું પૂર્વવાર ગિરિરાજ પર આવનાર આદિનાથ દાદા, ચોમાસુ કરનાર અજિતનાથ અને શાંતિનાથ, આઠમાં ઉદ્ધારના ઉપદેશક અભિનંદન સ્વામી વગેરેનાં પગલાંઓ છે. જાત્રાળુઓ તળેટી બાદ બાબુનું દેરાસર, જલમંદિર, રત્નમંદિર, સમવસરણ, હિંગલોજ દેવી, હનુમાનધારા, રામપોળ વગેરે થઈને દાદાનું મુખ્ય દેરાસર જ્યાં આવેલ છે ત્યાં પહોંચે છે. જ્યાં તેઓ ઋષભદેવનાં દર્શન-પૂજા કરે છે. જાત્રા દરમિયાન રસ્તામાં હીરાબાઇનો કુંડ, ભુખણદાસનો કુંડ, સૂરજકુંડ વગેરે અનેક કુંડ આવે છે.

છ ગાઉની જાત્રાના દિવસે યાત્રાળુઓ મુખ્ય માર્ગેથી ગિરિરાજ ચડી ઋષભદેવ ભગવાનનાં દર્શન કરી રામપોળમાંથી બહાર નીકળી જમણી બાજુના રસ્તેથી છ ગાઉની જાત્રા શરૂ કરે છે. આ જાત્રા દરમિયાન સૌ પ્રથમ આ ગિરિરાજ પર મોક્ષ પામનાર દેવકીના છ પુત્રોનું મંદિર આવે છે. ત્યારબાદ ઉલકા જલ, અજિતનાથ, શાંતિનાથની દેરીઓ, ચંદન તલાવડી, રત્નની પ્રતિમા, સિદ્ધશિલા, ભાડવા ડુંગર અને સૌથી છેલ્લે સિદ્ધવડ આવે છે. આ સ્થાનેથી અનેક મુનિવરો મોક્ષ પામ્યા હોવાથી તેનું મહત્વ અનેરું છે. અત્રે જાત્રાળુઓ ચૈત્યવંદન વગેરે ધાર્મિક ક્રિયાઓ કરી છ ગાઉની જાત્રાની પુર્ણાહુતી કરે છે.

જૈનોમાં છ ગાઉની જાત્રાનું અનેરું મહત્વ હોવાથી આ જાત્રા કરનાર શ્રદ્ધાળુઓનું અત્રે બહુમાન કરી સંઘપૂજન કરાય છે. અત્રે આવેલ આંબાવાડિયામાં દેશભરના વિવિધ જૈન સંઘો દ્વારા સાધર્મિક ભક્તિનો લાભ લેવા માટે અનેક પાલ ઊભા કરાય છે. જેમાં ચા-પાણી, ભરપૂર નાસ્તો વગેરે અપાય છે. પોતાના પાલમાં પધારી સાધર્મિક ભક્તિનો લાભ આપવા બે હાથ જોડી વીનવતા હોય છે ત્યારે અનેરાં ભાવુક દ્ગશ્યો સર્જાતાં રહે છે.

મંદિરોની નગરી પાલિતાણામાં વિશ્વનું અજોડ સમવસરણ દેરાસર, આગમ મંદિર, જંબુદ્વીપ, મણિભદ્રવીર, કાળભૈરવ દાદા, સતી રાજબાઇ, શ્રવણ મંદિર, ભીડભંજન મહાદેવ, સતુઆબાબા આશ્રમ, વિશાલ જૈન મ્યુઝિયમ વગેરે જોવાલાયક સ્થળો છે. ખરેખર, પાલિતાણાની મુલાકાત સૌ કોઈ માટે કાયમી સંભારણું બની રહેશે.

લેખક : ઉમેશ શાહ

સ્ત્રોત : દિવ્યભાસ્કર (ઘણી વ્યાકરણની ભૂલો સુધારેલ છે તે છતાં ભૂલ હોય તો જણાવશો સુધારી લેવામાં આવશે)