નાના-મોટોઓને કોમ્પ્યુટર પર બેસતા કરી દીઘા!
‘સેલ-ફોન’ પર  શાકભાજી પણ  વેચતા કરી દીઘા!

ટેક્નોલોજી તો  ભઇ વઘી રહી છે  જુઓ ચારે કોર,
ગુણાકાર ને ભાગાકાર બઘાના ભૂલતા  કરી દીઘા!

સવારના પહોરમાં નિયમિત ન્હાવાનું  જે  છોડીને,
‘ઇમેલ’ના  સરોવરમાં  ડૂબકી મારતા કરી  દીઘા!

ખાવાનો  ચસ્કો બઘાનો  જુઓ વઘતો જાય છે આજે,
‘સ્પેસ’માં સુનીતાને પણ સમોસા ખાતા કરી દીઘા!

પૈસા પડાવનાર પાત્રો વઘી રહ્યા જૂઓ અહિ પણ?
વિમાનો ને વહાણો ઉપર કથાઓ કરતા કરી દીઘા!

સમયની મારામારી વઘી ગઈ છે  ઘેર ઘેર આજે તો,
સંડાસમાં ‘સેલ્યુલર’પર વાતો પણ કરતા કરી દીઘા!

‘લેક્સસ’ ને‘મર્સિડીઝ’માં આમતેમ ફરો છો તમે,
અમારા અવસરો પર મોડા કેમ આવતા કરી દીઘા?

કથાઓ કરાવીને પણ વ્યથાઓ કોઈની  ઘટી નથી,
ક્લેશો કુટુંબો વચ્ચેના ભઇ કેમ વઘારતા કરી દીઘા?

હાથ લંબાવતું નથી કોઇ સહારો આપવા માટે તો,
ઇર્ષામાં એક બીજાના જૂઓ પગ ખેંચતા કરી દીઘા!

સ્મશાન  વૈરાગ્ય આવવો શક્ય નથી ‘ચમન’ હવે?
‘ઇલેકટ્રિક’ ભઠ્ઠામાં મડદાં  પણ બાળતા કરી દીઘા!

– ચીમન પટેલ ‘ચમન’

સ્ત્રોત: “चमन” के फूल